જસલીન સાથેના સંબંધોની વાત આવતા જ અનુપ જલોટા બોલ્યા કે ‘એક શરીફ આદમી થા જો બિગ બોસમે ચલા ગયા, બસ ઇતને મે સમજ લો’
સંગીતના રથને આગળ વધારવા માટે પાણીદાર ઘોડાઓની જરૂર છે અને પાણીદાર ઘોડાઓ એટલે કે સાચા કલાકારો સઘન સાધનાથી જ તૈયાર થાય છે. પરંતુ આજકાલ પ્રસિધ્ધિ મેળવવા માટે શોર્ટકટ અપનાવવામાં આવે છે’ તેમ આજે વડોદરા આવેલા ભજન સમ્રાટ અનુપ જલોટાએ કહ્યું હતું.
તેમનું કહેવુ હતું કે ‘શોર્ટ કટ રાતોરાત પ્રસિધ્ધિ જરૂર અપાવે છે પણ જે પ્રસિધ્ધિ મળે છે તેમાં શોર્ટ સર્કિટ પણ બહુ જલ્દી થઇ જાય છે. ગયે વર્ષે ઇન્ડિયન આઇડોલ કોણ હતું એ કેટલા લોકોને આજે યાદ છે ? હું ૪૫ વર્ષથી ગાઇ રહ્યો છું કેમ કે હું સંગીતના સાચા રસ્તા પર છું’
અનુપ જલોટાજીએ વાતચીત દરમિયાન એ કબુલ પણ કર્યું હતું કે ભજન સમ્રાટનું બિરૂદ તેમના માટે નુકસાનકારક સાબિત થયુ છે. તેમણે કહ્યું હતું કે ભજન સમ્રાટ તરીકે ઓળખ મળી ગયા બાદ તેમની ઇમેજ એક ચોકઠામાં ગોઠવાઇ ગઇ જેના કારણે તેમને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના જ કાર્યક્રમો મળતા હતા અને ત્યાં પણ પૈસા લેવાના બદલે ધર્માદો કરવો પડતો હતો એટલે આર્થિક રીતે ઘણું નુકસાન થયુ પરંતુ મોટો ફાયદો એ થયો કે લોકો તરફથી મને જે આદર સત્કાર સન્માન મળ્યુ તે અન્ય કલાકારોને નથી મળ્યું’
તેઓએ ફિલ્મી સંગીત અંગે વાત કરતા કહ્યું હતું કે ‘આજના ફિલ્મી સંગીતમાં દમ નથી તેમાં સંગીતકારોનો કોઇ દોશ નથી હકિકતે સારૂ સંગીત આપી શકાય તેવી ફિલ્મો બનતી જ નથી. આજકાલ મુગલે આઝમ નહી ‘દબંગ’ બને છે પછી ‘મુન્ની બદનામ’ જ થાય ને’ બિગબોસમાં તેમના અનુભવ અને જસલીન મથારૂ સાથેના સંબંધોને લઇને ઉભા થયેલા વિવાદ અંગે એવુ કહ્યુ હતું કે ‘એક શરીફ આદમી થા… જો બિગ બોસમે ચલા ગયા થા બસ ઇતને મે સમજ લો’
વડોદરા દુનિયાનું એવું અલાયદું શહેર છે કે જેણે અવલ્લ દરજ્જાના સંગીતકારો, કલાકારો, અભિનેતાઓ, ગાયકો અને ખેલાડીઓ આપ્યા છે
વડોદરામાં હજુ પણ શાસ્ત્રીય સંગીતની સાધના થાય છે, મ્યુઝિક કોલેજ મૂલ્યવાન ધરોહર છે
વડોદરા અંગે વાત કરતા અનુપ જલોટાએ કહ્યું હતું કે ‘વડોદરા દુનિયાનું એવુ અલાયદુ શહેર છે કે જેણે એક ક્ષેત્રમાં નહી પરંતુ અનેક ક્ષેત્રમા અવલ્લ દરજ્જાના વ્યક્તિઓને જન્મ આપ્યો છે આ શહેરે સંગીતકારો, કલાકારો, અભિનેતાઓ, ગાયકો અને ખેલાડીઓ આપ્યા છે.
તમે સાંભળ્યુ છે કે કોઇ એક શહેરમાં આટલા બધા ક્ષેત્રોમાં મહાન હસ્તીઓ પેદા થઇ હોય. અહી ઉસ્તાદ ફૈયાઝ ખાં પણ હતા, અહી રાજા રવિ વર્મા પણ હતા. વડોદરા પાસે સૌથી જુની મ્યુઝિક કોલેજ છે જે મૂલ્યવાન ધરોહર છે. આ શહેરમાં આજે પણ શાસ્ત્રીય સંગીતની સાધના થાય છે તે ખૂબ આનંદની વાત છે.
અનુપ જલોટાને ભજન સમ્રાટનું બિરૂદ નથી ગમતુ જાણો કેમ… was originally published on News4gujarati