કોરોના વાયરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદઃ કોરોના વાયરસનો કહેર હવે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કેરળમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ ગુજરાતના અમદાવાદમાં શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.  60 વર્ષીય મહિલા જાપાનથી પરત ફર્યા બાદ તેમનામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા.

જે બાદ તેમને SVP હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. દર્દીનો રિપોર્ટ આવતીકાલે સાંજ સુધીમાં આવી શકે છે. આ દર્દી સેટેલાઇટ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં અગાઉ કુલ 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા પંરતુ તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદની બી.જે મેડીકલ કોલેજ ખાતે કોરોના વાઈરસની લેબોરેટરી પરિક્ષણની સુવિધા ઊભી કરવામાં આવી છે. રાજ્યમાં જરૂર પડે સુરત, રાજકોટ અને વડોદરા ખાતે ટેસ્ટીંગની સુવિધા ઊભી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં 29 આઇસોલેશન બેડ, 29 વેન્ટિલેટર સહિત અદ્યતન સાધનો અને દવા સાથેનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો, દર્દીને SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં કરાયા દાખલ was originally published on News4gujarati