– રાજકોટ મહાપાલિકાની એકમાત્ર મુખ્ય આવક

ગત વર્ષે 3 લાખ કરદાતાઓએ 247 કરોડ ભર્યા અને આ વર્ષે 11 માસમાં 2.56 લાખ કરદાતા પાસેથી માત્ર 158 કરોડની આવક! વસુલાત નબળી

– લોકોને હવે સરકારી કચેરીના ધક્કા પોષાતા નથી,ઓનલાઈન કરદાતાની સંખ્યા 91000ને પાર

– મનપામાં વેબસાઈટથી ટેકસ  ભરવો સરળ અને અન્ય સરકારી  કચેરીઓ કરતા વધુ પ્રોત્સાહન 

– મનપાની કડક વસુલાત માત્ર એક-બે દિવસ પૂરતી સીમિત રહેતા આવકમાં મોટુ ગાબડું 

વર્ષે વીસ અબજનું બજેટ ફટાફટ ઘડી નાંખતી રાજકોટ મનપાની એકમાત્ર મુખ્ય આવક એવી મિલ્કતવેરાની વસુલાત ૨ અબજ સુધી પણ ચાલુ વર્ષે પહોંચી નથી. હવે માત્ર માર્ચ માસ બાકી રહ્યો છે ત્યારે પણ વસુલાત રૂટીન થઈ રહી છે ત્યારે ગત વર્ષની સાપેક્ષે હાલ આજ સુધીમાં થવી જોઈતી ટેક્સ આવકમાં રૂ।.૫૦ કરોડનું ગાબડુ પડયું છે. આની સાથે નોંધનીય બાબત એ બહાર આવી છે કે મનપાને ઓનલાઈન વેરો ભરનારામાં ૫૦ ટકાનો જંગી વધારો થયો છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં એક લાખ મિલ્કતધારકો ઓનલાઈન ટેક્સ ભરતા થઈ જાય તેવી શક્યતા છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઈ.સ.૨૦૧૮-૧૯ના ગત વર્ષમાં મહાપાલિકામાં પ્રથમવાર ૩ લાખથી વધુ, કૂલ ૩,૦૧,૩૭૪ મિલ્કતો પર  રૂ।.૨૪૭.૬૧ કરોડનો પાણી,ડ્રેનેજ,સામાન્ય સહિતના કર ચૂકવ્યા હતા. ગત વર્ષે પણ લક્ષ્યાંક કરતા આવક ૧૩ કરોડ ઓછી થઈ હતી. પરંતુ, ચાલુ વર્ષે તો આટલી આવક પણ નથી. વર્ષના ૧૧ માસમાં માત્ર ૨,૫૬,૯૧૭ મિલ્કતો પર (કૂલ મિલ્કતો વધીને ૫ લાખ)  માત્ર રૂ।.૧૫૮.૧૧ કરોડનો વેરો જ ભરાયો છે. 

જનરલબોર્ડમાં એક દિવસ, એક કલાક પુરતી આ મુદ્દે વિપક્ષે તડાપીટ બોલાવી અને શાસકોએ લૂલો બચાવ કર્યો પણ રૂ।.૮૫૧ કરોડની ઉઘરાણી સામે ૧૦ ટકા ઉઘરાણી પણ પાકી નથી તે મુદ્દે વર્ષે રૂ।.૩૪૫ કરોડનો પગાર-મહેકમ ખર્ચ કરતા સત્તાધીશોને જાણે કોઈ ચિંતા નથી જણાતી.  એક બે દિવસ પુરતી કડક કહેવાતી વસુલાત થયા બાદ હાલરૂટીન કામગીરી થઈ રહી છે. 

મનપાની આ નબળી કામગીરીની બીજી તરફ આવકાર્ય બાબત  એ છે કે મનપાએ ટેક્સ ઓનલાઈન ભરવાનું અન્ય સરકારી કચેરીઓ કરતા સરળ અને ખાસ કરીને પ્રોત્સાહક બનાવતા તેની નોંધપાત્ર અસર લોકો પર જોવા મળી છે. ગત વર્ષે ૧૨ મહિનામાં  ૭૨ હજાર એટલે કે ૧૧ માસમાં આશરે ૬૬ હજાર મિલ્કતધારકોએ આરએમસીની વેબસાઈટ પર ઓનલાઈન ટેક્સ ભર્યો તે સામે ચાલુ વર્ષે ૧૧ માસમાં ૯૧ હજાર કરદાતાઓએ ઓનલાઈન રૂ।.૪૬ કરોડનો વેરો ભર્યો છે. 

ગત વર્ષ કરતા પચાસ ટકા ઓનલાઈન કરદાતા વધ્યા તે દર્શાવે છે કે લોકોને બિલ ભરવા માટે સરકારી કચેરીએ ધક્કો ખાવાનું જરાય પોષાતુ નથી. પરંતુ, આ માટે ઓનલાઈન વેરો ભરવો સરળ (કોઈ ટેકનિકલ ક્ષતિ વગરનો) હોવાની સાથે લોકો જ્યારે બિલ,કર્મચારીનો ખર્ચ બચાવતા હોય ત્યારે વળતરની અપેક્ષા રાખે છે જે વળતર મનપા બિલ દીઠ રૂ।.૫૦નું અને આગામી વર્ષથી તો ૧ ટકા વિશેષ વળતર આપે છે તેવું વળતર અન્ય સરકારી કચેરીઓમાં મળતું નથી. આ વળતર સરકાર શરુ કરાવે તો લોકોના ધક્કા બચવા સાથે પારદર્શક પેમેન્ટ પણ થાય તેમ છે. 

ટેક્ષ આવકમાં 50 કરોડનું ગાબડુ પરંતુ, ઓનલાઈન કરદાતામાં 50 ટકા વધારો! was originally published on News4gujarati