ભાજપ શાસિત નગરપાલિકામાં આખરે સંગઠનની જીત થઇ : સત્તાધારીઓની હાર

ભાજપ શાસિત ડીસા પાલિકામાં ભાજપના 11 અને અપક્ષના 2  સભ્યોએ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ દોડી આવેલ ભાજપ મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના મોવડી મંડળના સભ્યોએ બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી. જોકે, ત્યારબાદ પ્રમુખ બુધવારે એકાએક અનિશ્ચિત મુદ્દતની રજા ઉપર ઉતારી દેતા રાજકિય ગરમાવો આવી જવા પામ્યો છે.

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો. સત્તાધારીઓ અને સંગઠનની લડાઈ ચાલી રહી હતી. જેના કારણે આંતરિક વિખવાદ સપાટી ઉપર આવી જતા  ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી ભાજપના જ સભ્યોની રજૂઆત ન સાંભળતા તેમના વિસ્તારમાં વિકાસના કામો ન થતા અને મનસ્વીપણે વહીવટ ચલાવતા હોવાના આક્ષેપો સાથે ભાજપના 11 અને અપક્ષના 2 મળી કુલ 13 સભ્યોએ શહેર ભાજપ પ્રમુખને રાજીનામા ધરી દીધા હતા.

તે બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા ત્રણ દિવસ અગાઉ  ડીસા એપીએમસી ખાતે નારાજ સભ્યોને મનાવવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી અશોક ચૌધરી અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે બન્ને પક્ષની રજુઆત સાંભળી આંતરિક અસંતોષ ડામવાની કવાયત હાથ ધરી હતી. જો કે, ત્યાર બાદ ગૂંચવાયેલા કોકડા વચ્ચે બુધવારે ફરી ભાજપના નેતાઓ ડીસા દોડી આવ્યા હતા. અને બાદમાં પ્રમુખને પદ પરથી ખસી જવા આદેશ કરતા પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીએ પોતે અનિશ્ચિત મુદતની રજાનો રિપોર્ટ ચીફ ઓફિસરને આપી દીધો હતો. પાલિકા પ્રમુખ આ રીતે એકાએક રજા ઉપર જવાની બાબતને લઈ સમગ્ર શહેરમાં વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે .જેથી પાલિકા ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. ડીસા પાલિકામાં સભ્યોને મહોરું બનાવી ચાલી રહેલા રાજકીય દાવપેચમાં આખરે સત્તાધારીઓની હાર અને સંગઠનની જીત થઈ છે.

ચીફ ઓફિસર વહીવટ સંભાળશે

ડીસા પાલિકા પ્રમુખ પર રજા  ઉતરી ગયા છે. ત્યારે હવે પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ કાંતિલાલ સોનીને સોપાશે. જોકે, કાંતિલાલ સોની 11 માર્ચએ ચાર્જ સંભાળશે. ત્યાં સુધી ચિફ ઓફિસર વહીવટ કરશે.

ડીસા પાલિકા પ્રમુખને પદ છોડવા પાર્ટીનો આદેશ was originally published on News4gujarati