નવ મહિના પહેલા ત્રણ દિવસમાં ફાયર સેફ્ટી ઊભી કરવા અપાયું હતું અલ્ટિમેટમ


સુરત ખાતે ગત વર્ષે ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ બાદ બારડોલી નગરપાલિકા દ્વારા તમામ શોપિંગ સેન્ટરોને ફાયર સેફ્ટી ઊભી કરવા તેમજ ડોમ ખુલ્લા કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો. 9 મહિના બાદ પણ નગરપાલિકા કે ફાયર વિભાગના આ ત્રણ દિવસ પૂરા થયા નથી. પાલિકા અધિકારીઓ માત્ર કાગળ પર જ ઘોડા દોડાવી પોતાની કામગીરી પૂર્ણ થઈ હોવાનું સમજી રહ્યા છે.
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત પોલીસ અને પાલિકા તંત્ર વાહન ચાલકોને દંડવાની સાથે દબાણો પણ દૂર કરી રહ્યા છે. જો કે જેઓએ પાર્કિંગ દબાવી રાખ્યા છે તેવા મોટા શોપિંગ મોલ સામે 24 કલાકના અલ્ટિમેટમ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી. મોટા ભાગના શોપિંગ મોલમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો. ગત વર્ષે સુરત ખાતે ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગમાં અનેક લોકોના મોત બાદ બારડોલી નગરપાલિકાએ માત્ર ને માત્ર ખાનાપૂર્તિ માટે કાર્યવાહી કરી મિલકત ધારકોને નોટિસો ફટકારી હતી. તે સમયે બારડોલી નગરપાલિકાના ફાયર અધિકારી તેમજ ચીફ ઓફિસર દ્વારા મોટા ઉપાડે ત્રણ દિવસમાં જ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ન આવે તો મિલકતો સીલ કરવાનો પણ આદેશ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ આ બધી કામગીરી કાગળ પર થયાને 9 મહિના થયા છતાં પાલિકાના અધિકારીઓના ત્રણ દિવસ પૂરા થયા નથી. હવે ફરીથી 30 દિવસનો સમય આપી પાલિકાના અધિકારીઓ સાબિત શું કરવા માંગે છે? તેવો પ્રશ્ન લોકોમાં ઉપસ્થિત થઈ રહ્યો છે.
પાલિકા બેધારી નીતિ અપનાવી રહી છે
બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ટ્રાફિક અભિયાનમાં પાલિકા પણ જોડાય છે. પરંતુ પાલિકા બેધારી નીતિ અપનાવી રહી છે. બારડોલી ડીવાયએસપી દ્વારા ફાયર સેફ્ટી અને પાર્કિંગ ખુલ્લા કરવા માટે માત્ર 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જેની સામે પાલિકા દ્વારા વધુ 30 દિવસનો સમય આપવામાં આવતા પાલિકાની બિલ્ડરો અને શોપિંગ સેન્ટર સંચાલકો પ્રત્યેનું કૂણું વલણ ખુલ્લુ પડી ગયું છે

નવ મહિના પહેલા ત્રણ દિવસમાં ફાયર સેફ્ટી ઊભી કરવા અપાયું હતું અલ્ટિમેટમ was originally published on News4gujarati

Comments are closed.

Blog Stats

  • 517,408 hits
%d bloggers like this: