– અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં

– ફેમિલી કોર્ટના વોરંટની બજવણી થવા છતાં પતિ હાજર ન થતા ધરપકડ કરી જેલમાં મોકલવા આદેશ

પત્નીને ૪૮૦ દિવસ સુધી ભરણપોષણની રકમ નહીં આપનારા પતિને ફેમિલી કોર્ટે ૪૮૦ દિવસની કેદની સજા ફટકારી છે. ૧૬ મહિના સુધી પત્નીને  ભરણપોષણની રકમ ન આપતા પતિ સામે કોર્ટે વોરંટ જારી કર્યુ હતું અને વોરંટની બજવણી થતા છતાં પતિ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા કોર્ટે પતિની ધરપકડ કરવા પોલીસને આદેશ આપ્યો છે.

આ કેસની વિગત એવી છે કે અમદાવાદના જુહાપુરમાં રહેતી યુવતીના લગ્ન તેના જ સમાજના યુવક સાથે થયા હતા અને લગ્ન બાદ તે દાણીલીમડા વિસ્તારમાં રહેતી હતી. લગ્નજીવન શરૂ થયાના થોડા સમય બાદ દંપતી વચ્ચે તકરારો સર્જાતા પત્ની ફરી તેના પિયર રહેવા આવી ગઇ હતી. પત્નીએ ફેમિલી કોર્ટમાં અરજી કરી પતિ પાસેથી ભરણપોષણ અપાવવા માગણી કરી હતી. ફેમિલી કોર્ટે પતિને દર મહિને ભરણપોષણ પેટે રૂપિયા પાંચ હજાર અને ખર્ચ પેટે રૂપિયા એક હજાર આપવા આદેશ ક્રયો હતો, પરંતુ આ આદેશના ૧૬ મહિના સુધી રકમની ચૂકવણી ન થતા પત્નીએ ફરી ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જેથી કોર્ટે પતિ સામે વોરંટ જારી કરી કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો. આ વોરંટની બજવણી પતિના પરિવારને કરવામાં આવી હતી. વોરંટની બજવણી થઇ હોવા છતાં પતિ કોર્ટ સમક્ષ હાજર ન થતા પતિએ જેટલાં દિવસનું ભરણપોષણ નથી આપ્યું તેટલા દિવસની એટલે કે ૪૮૦ દિવસની કેદની સજા પતિને ફટકારી છે.

પત્નીને સવા વર્ષ સુધી ભરણપોષણ ન આપનારા પતિને 480 દિવસની કેદ was originally published on News4gujarati