• લોકોના ટોળે ટોળા ભેગા થઈ જતા માહોલ તણાવગ્રસ્ત થઈ ગયો
  • GSRTની વોલ્વો બસની અડફેટે આવેલા બાળકનું ઘટના સ્થળે મોત

સુરતઃ પાંડેસરા પ્રેમ નગર દરગાહ નજીક BRTS રૂટમાં GSRTCની વોલ્વો બસે 9 વર્ષના બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વોલ્વો બસની અડફેટે મોતને ભેટેલો બાળક નજીકની ભંગારની દુકાનમાં કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

બસના ચાલકની સામે લોકોએ રોષ વ્યકત કર્યો

ઘટના બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ જતા માહોલ તણાવગ્રસ્ત થઈ ગયો હતો. GSRTCની બસના ચાલકની સામે લોકોએ રોષ વ્યકત કર્યો હતો. ઘટના બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. GSRTC વોલ્વો બસની અડફેટે કાળનો કોળીયો બનેલો 9 વર્ષનો રાહુલ રાજુ રાજપૂત હતો. જ્યારે વોલ્વો બસનો ડ્રાઈવર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક મિત્રો સાથે રમી રહ્યો હતો

મૃતક રાહુલ માતા અને બે નાના ભાઈ સાથે રહેતો હતો. આજે બહાર મિત્રો સાથે રમી રહ્યો હતો. દરમિયાન બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો અને બસની અડફેટે ચડી ગયો હતો. સાથી મિત્ર તેના કાકા પાસે દોડીને ગયો હતો અને રાહુલના અકસ્માત અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર દોડીને પહોંચ્યો હતો. હાલ પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

પાંડેસરામાં BRTS રૂટમાં GSRTCની વોલ્વો બસે 9 વર્ષના બાળકને અડફેટે લેતા મોત was originally published on News4gujarati