કતારગામના શખ્સે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી મહિલાને લગ્નની લાલચ આપી કારમાં લોંગ ડ્રાઇવ પર જવાના બહાને કામરેજની હોટલમાં લાવી બે વાર શારીરિક સંબંધ બાંધી શોષણ કર્યા બાદ સંપર્ક કાપી નાંખ્યો હતો. જેથી મહિલાએ કામરેજ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ડિવોર્સની વાત કરી મહિલાને ભોળવી હતી

સુરત શહેરમાં રહેતી યુવાન વયની મહિલા વર્ષ 2019માં સોશિયલ મીડિયા ફેસબૂકના માધ્યમથી પંકજભાઇ પોપટભાઇ સવાણી (રહે. 14 આશીર્વાદ સોસાયટી ડભોલી ચાર રસ્તા, કતારગામ, સુરત) સાથે સંપર્કમાં આવતા બંને વાતચીત થતી હતી. વીડિયો કોલ તથા વોટ્સઅપથી ત્રણેક મહિના સુધી વાતચીત થતા બંને ગાઢ મિત્રો બની ગયા હતા. 29-10-19ના પંકજની ઇકો સ્પોર્ટ કારમાં બેસી નવસારી તરફ લોંગ ડ્રાઇવ પર ગયા હતા. પરત ફરતા સમયે પંકજે મારી પત્ની સાથે મારે બનતુ નથી અને ઝઘડા થાય છે. મારા ડિવોર્સ થવાના છે. જેથી હું મારી પત્નીને ડીવોર્સ આપી તારી સાથે લગ્ન કરીશ કહીં મહિલાને ભોળવી હતી.

હોટલના રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરી હતી

બીજીવાર પંકજે ફોન કરી મહિલાને તેનો આધારકાર્ડ લઇને આવવાનું કહ્યું હતું. બંને જણા ઇકો સ્પોર્ટ કારમાં નવસારી તરફ ગયા હતા અને વળતા કામરેજ હાઈવે પરની મનિષા હોટલમાં ગયા હતા. જ્યાં પંકજે એ.સી.રૂમ બૂક કરાવ્યો હતો અને રૂમમાં પંકજે બે વખત શારીરીક સંબંધ બાંધ્યો હતો. રૂમની બહાર આવી કાઉન્ટર પર આધારકાર્ડ બતાવી રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરી હતી. ત્યારબાદ 11-12-19 બપોરના ફરીથી પંકજ તેની કાર લઈને આવ્યો હતો. જેમાં બંને મનિષા હોટલ પર આવી રૂમમાં ગયા હતા. જ્યાં મહિલાની અનિચ્છાએ પંકજે જબરજસ્તી મહીલા સાથે શારીરીક સંબંધ બાંધ્યો હતો.

લગ્નની વાત કરતા ટાળી દીધી હતી

હોટલમાંથી સાડા ત્રણેક વાગે નીકળી સુરત પરત ફરતી વખતે મહિલાએ પંકજને લગ્નની વાત કરતા પંકજે હમણા તું ઘરે જા કહીં લગ્નની વાત ટાળી દીધી હતી. બાદમાં પંકજે ફેસબૂક, વોટ્સઅપ વગેરેમાંથી મહીલાનો નંબર બ્લોક કરી દઇ વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું અને સંપર્ક કાપી નાખ્યા હતા. મહિલાને પંકજે તેની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઇ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે આપી હતી.

મહિલાને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ કામરેજની હોટલમાં દુષ્કર્મ, સોશિયલ મીડિયાથી મૈત્રી બાંધ્યા બાદ યુવકે પોત પ્રકાશ્યું was originally published on News4gujarati