સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં શામપુરા ગામની સીમમાંથી રાત્રિના સમયે પસાર થઈ રહેલ આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા આધેડને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના ખોલવડ ગામે ખેતીવાડી ફાર્મ ખાતે રહેતા મધુકર સદાશીવ વાનખેડે (55) નાઓ છેલ્લા પંદરેક દિવસથી કૈલાશ સુખદેવ સેકોકારે સાથે શામપુરા ચોકડી પાસે રોડની બાજુમાં તંબુ બનાવી તરબૂચ વેચતા હતા અને ત્યાં જ રહેતા હતા. ગત તા-3 માર્ચના રોજ મધુકર વાનખેડે રાત્રિના 9 વાગ્યાની આસપાસ વિહાણ ગામે રહેતા સુભાષભાઈ ગોવળેના ઘરે ટિફિન લેવા માટે ગયા હતા. જ્યાંથી ટિફિન લઈ પરત આવવા નીકળ્યા હતા. તે સમયે શામપુરા ગામની સીમમાં વિહાણથી શામપુરા જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે મધુકરભાઈને ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં તેમને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

શામપુરા નજીક અજાણ્યા વાહનની અડફેટે આધેડનું મોત was originally published on News4gujarati