– આર્થિક રીતે પાયમાલ થતાં ડીપોઝીટરોના 2.50 લાખ કરોડ સલવાયા

– મ્યુચ્યુઅલ ફંડો, એનબીએફસી અને નાની બેન્કોને ભારે અસર : બેન્કોમાં ડીપોઝીટો મુકવા ગ્રાહકોમાં અસમંજસ : બેન્કના નાણાં સલામત નથી

ખાતેદારોએ ગભરાવાની જરૂર નથી : આરબીઆઇ

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ આિર્થક રીતે પાયમાલ થઈ ગયેલી ખાનગી બેન્ક યશ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.

આરબીઆઈએ એક મહિના માટે યસ બેન્કના ખાતેદારોને ખાતામાંથી ઉપાડ પર રૂ. 50,000ની મર્યાદા નિશ્ચિત કરી દીધી છે. હાલ આ પ્રતિબંધ 5મી માર્ચથી 3જી એપ્રિલ સુધી અમલમાં રહેશે. આરબીઆઈએ ગુરૂવારે રોકડની સમસ્યાનો સામનો કરી રહેલી યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ ભંગ કરતાં તેના પર વહીવટદારની નિમણૂક કરી દીધી છે.

આરબીઆઈએ બેન્કના થાપણદારો પર ઉપાડની મર્યાદા સહિત આ બેન્કના કારોબાર પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો મુકી દીધા છે.આ સાથે આરબીઆઈએ યસ બેન્કનું નિયંત્રણ ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં નાણાકીય સંસૃથાઓના એક જૂથને સોંપવાની તૈયારી કરી છે.

આરબીઆઈએ મોડી સાંજે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે યશ બેન્કના બોર્ડને તાત્કાલિક અસરથી ભંગ કરી દેવામાં આવે છે અને એસબીઆઈના ભૂતપૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકના વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. અગાઉ લગભગ છ મહિના પહેલા રિઝર્વ બેન્કે મોટું કૌભાંડ સામે આવ્યા પછી પીએમસી બેન્કના કિસ્સામાં પણ આ પ્રકારનું પગલું ઉઠાવ્યું હતું. યસ બેંક ઘણા સમયથી ડૂબેલા દેવાંની સમસ્યાનો સામનો કરી ઔરહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આરબીઆઈએ સરકાર સાથે ચર્ચા મસલત કર્યા પછી આ નિર્ણય લીધો હતો. યસ બેન્કનું બોર્ડ છેલ્લા છ મહિનાથી જરૂરી ભંડોળ ઊભું કરવામાં નિષ્ફળ રહેતાં આરબીઆઈએ તેને પણ વિખેરી નાંખ્યું છે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશ્વસનીય પુનર્ગઠન યોજનાના અભાવે અને બેન્કોના થાપણદારોના જાહેરત હિતમાં આરબીઆઈ એવા આકલન પર પહોંચી છે કે સરકાર પાસે વર્ષ 1949ની બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 45 હેઠળ યસ બેન્ક પર નિયંત્રણો લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

નિવેદનમાં જણાવાયું હતું કે બેન્ક મેનેજમેન્ટે એવા સંકેત આપ્યા હતા કે તે વિવિધ રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને તેઓ સફળ થશે તેવી સંભાવના હતી. બેન્ક મૂડી રોકાણની તકો માટે કેટલીક ખાનગી કંપનીઓ સાથે પણ વાટાઘાટો કરી રહી હતી. આ રોકાણકારોએ આરબીઆઈના વરિષ્ઠ અિધકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.

દરમિયાનમાં બેન્ક નિયમિતપણે લિક્વિડિટીનો સામનો કરી રહી હતી. આથી છેવટે આરબીઆઈએ તકેદારીના પગલાંના ભાગરૂપે બેન્ક સામે કાર્યવાહી કરવી પડી હતી.     ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આરબીઆઈએ સહકારી બેન્ક પીએમસી બેન્ક સામે આકરાં પગલાં લીધા પછી યસ બેન્ક સામે પણ આ પ્રકારનાં પગલાં લેવાની તલવાર તોળાઈ રહી હતી. 

… તો 50 હજારથી વધુની રકમ ઉપાડી શકાશે

આરબીઆઈએ યસ બેન્કના ખાતેદારો પર એક મહિના સુધી ખાતામાંથી રૂ. 50 હજારથી વધુના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં ખાતેદારને ખાતામાંથી રૂ. 50,000થી વધુની રકમ ઉપાડવાની મંજૂરી મળશે. ખાતેદાર અથવા વાસ્તવિકરૂપે તેના પર નિર્ભર કોઈ વ્યક્તિ માટે તબીબી ખર્ચ, શૈક્ષણિક ખર્ચ અને લગ્ન તથા અન્ય સમારંભ માટે 50,000થી વધુ રકમ ઉપાડી શકશે.

યસ બેન્કનો શૅર 27 ટકા ઊછળ્યો, એસબીઆઈ 5 ટકા ઘટયો

નાણાંભીડનો સામનો કરી રહેલી યસ બેન્કના શૅરમાં ગુરૂવારે 27 ટકા જેટલો જંગી ઊછાળો જોવા મળ્યો હતો. ખાનગી બેન્કના શૅર 29.40ના ભાવે ખૂલ્યો હતો અને 28.00ના તળીયે જઈને 37.85ની ટોચે પહોંચીને 27 ટકા પર પાછો ફર્યો હતો. આર્થિક પાયમાલીના સ્તરે પહોંચી ગયેલી યસ બેંકમાં આ ઊછાળાનું કારણ આરબીઆઈ અને સરકાર વચ્ચેની વાટાઘાટો હોવાનું મનાતું હતું. સરકારે એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓને આર્થિક તંગીનો સામનો કરતી યસ બેન્કને ટેક ઓવર કરવાં મંજૂરી આપી હોવાના અહેવાલોના પગલે યસ બેન્કના શૅરના ભાવમાં ઊછાળો આવ્યો હતો.

બીજી આઈએલએન્ડએફએસ બનતી અટકાવવા કવાયત

સરકારે એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓને યસ બેન્કને ટેક ઓવર કરવાની મંજૂરી આપવાના નિર્ણયને બજાર નિષ્ણાતોએ વધાવી લીધું છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકાર બીજી આઈએલએન્ડએફએસ જેવી કટોકટી ટાળવા માગે છે અને ખાતેદારોના નાંણાં બચાવવા માગતી હોવાથી તેણે તકેદારીના ભાગરૂપે યસ બેન્ક પર નિયંત્રણો લાદી દીધા છે. સરકારનું આ પગલું પ્રશંસનીય છે. જોકે, તેમનું માનવું છે કે એસબીઆઈને યસ બેન્ક સાથે જોડાણ કરવાનું કહેવામાં આવશે તો આ પગલું ઘાતક સાબિત થશે. હકીકતમાં સરકારે એસબીઆઈના નેતૃત્વમાં નાણાકીય સંસ્થાઓના કોન્સોર્ટિયમને યસ બેન્કમાં ભંડોળ ઠાલવવા કહેવું જોઈએ. સરકારનું આ પગલું નાણાકીય ક્ષેત્ર માટે સકારાત્મક છે.

જાહેર નાંણાંથી ખાનગી બેન્કને ઊગારવાની પહેલી ઘટના!

આરબીઆઈએ યસ બેન્કના બોર્ડને તાત્કાલિક અસરથી વિખેરી નાંખીને તેના પર નિયંત્રણો મૂકી દીધા છે. યસ બેન્કને ઉગારવા માટે એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ આગળ આવશે તેવી એક યોજનાને સરકારે મંજૂરી આપ્યા પછી આરબીઆઈએ યસ બેન્ક સામે પગલાં ભર્યા છે. આ યોજનાનો અમલ થશે તો ભારતમાં અનેક વર્ષો પછી સૌપ્રથમ વખત જાહેર નાંણાંની મદદથી એક ખાનગી બેન્કને ઉગારવામાં આવશે તેવું જોવા મળશે. વર્ષ 2004માં ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સનું ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક સાથે જોડાણ કરાયું હતું જ્યારે 2006માં આઈડીબીઆઈ બેન્કે યુનાઈટેડ વેસ્ટર્ન બેંક હસ્તગત કરી હતી.

YES બેન્ક સંકટમાં : 50 હજારથી વધુ નહીં ઉપાડી શકો. was originally published on News4gujarati