– મ્યુનિ.ની ચૂંટણીના વર્ષમાં

– કોન્ટ્રાકટરે 34 ટકા વધુ ભાવ ભર્યા હોવા છતાં તંત્ર-શાસકોએ મંજુરી આપી વિપક્ષ કોંગ્રેસ ચીફ વિજિલન્સ કમિશનર સમક્ષ તપાસની માંગ કરશે

આ વર્ષના અંતભાગમાં મ્યુનિ.ની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે.આ અગાઉ આગામી બે વર્ષના સમય માટે શહેરના તમામ રસ્તાઓ માટે  સિંગલ ટેન્ડરથી એક જ કોન્ટ્રાકટરને રૂપિયા 400 કરોડનું કામ  રૂપિયા 536 કરોડમાં આપી દેવાતા વિવાદ સર્જાયો છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે કોન્ટ્રાકટરે અંદાજીત રકમની સામે 34 ટકા ભાવ વધુ ભર્યા હોવા છતાં તેને કામ અપાયુ છે.આ મામલે વિપક્ષ કોંગ્રેસ આગામી સમયમાં ચીફ વિજીલન્સ કમિશનર સમક્ષ તપાસની માંગ કરશે.

શહેરના જુદા જુદા ઝોન તથા રોડ પ્રોજેકટના રસ્તાઓને નવા બનાવવા,રી ગ્રેડ કરી રીસરફેસ કરવાના કામ માટે ઈ-ટેન્ડર પધ્ધતિનો પ્રયોગ કરાયો હતો.પહેલી વખતના પ્રયાસમાં કોઈ બીડર ન આવતા ટેન્ડર રીઈન્વાઈટ કરાયુ હતુ.રીઈન્વાઈટ કરાયેલા ટેન્ડરમાં બે બીડર્સ આવ્યા હતા.બંનેના પ્રાઈસ બીડ ખોલાયા હતા.

જેમાં આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ પ્રા.લિ. નામના કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડરની અંદાજીત રકમ રૂપિયા 400,02,53,040ની સામે 37.51 ટકા વધુ ભાવ એટલેકે રૂપિયા 550,07,47,955.30નો ભાવ ભર્યો હતો.બીજા બીડર સદભાવ એન્જીનિયરીંગ લિ.દ્વારા 39 ટકા વધુ ભાવ એટલે કે રૂપિયા 556,03,51,725.60નો ભાવ ભર્યો હતો.

આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ ના કોન્ટ્રાકટરને  ભાવ નેગોશીએશન કરવા   બોલાવાતા અગાઉ તેમના દ્વારા જે 37.51 ટકા વધુ ભાવ ભરવામાં આવ્યો હતો.એમાં ઘટાડો કરી 34 ટકા ભાવ કરવાની સંમતિ દર્શાવાતા મુળ અંદાજીત રૂપિયા 400,02,53,040 નું કામ તેમને રૂપિયા 536,03,39,074.00થી આપવા સ્થાયી સમિતિ અને મ્યુનિ.બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવી છે.

મ્યુનિ.ને પોતાના ઈજનેરો પર જ વિશ્વાસ નથી?

સિંગલ ટેન્ડરથી અમદાવાદના તમામ રસ્તાની કામગીરી રૂપિયા 536,03,39,074.00ના ભાવથી આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ પ્રા.લિ.નામના કોન્ટ્રાકટરને સોંપી દેવાઈ છે.જે ટેન્ડર મંજુર કરાયુ છે એમાં એક સુચક બાબત એવી બતાવાઈ છે કે,હયાત અને નવા રોડની ડિઝાઈન કોન્ટ્રાકટર દ્વારા જ કરાશે.જો ડિઝાઈનની કામગીરી પણ કોન્ટ્રાકટર પાસે જ તૈયાર કરાવવાની હોય તો મ્યુનિ.ઈજનેર ખાતામાં ફરજ બજાવતા ઈજનેરોને કામગીરી શું કરવાની રહેશે એવો સવાલ વિપક્ષ દ્વારા ઉઠાવાયો છે.

ચીફ વિજિલન્સ કમિશનર સમક્ષ તપાસની માંગ કરીશુ, વિપક્ષ નેતા

વિપક્ષ કોંગ્રેસના નેતા દીનેશ શર્માએ કહ્યુ,કોઈકના લાભ માટે ટેન્ડર નોમર્સની શરતોને નેવે મુકીને રાજકીય દબાણ હેઠળ સિંગલ ટેન્ડરથી કામ આપવામાં આવ્યુ છે.કોંગ્રેસ તંત્ર અને શાસકોના આ નિર્ણય સામે ચીફ વિજીલન્સ કમિશનર સમક્ષ આગામી સમયમાં તપાસની માંગ કરશે.

અમદાવાદમાં રસ્તાઓ માટે સિંગલ ટેન્ડરથી રૂ. 400 કરોડનું કામ 536 કરોડમાં અપાયું ! was originally published on News4gujarati