નર્મદ યુનિવર્સિટી દ્વારા મુંબઈની જે નેસ્ટ કંપની સાથે કરાર થયા બાદ રદ કરવા પડ્યા તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમાં આજે સેનેટ સભ્યે કુલપતિનું રાજીનામું માગ્યું છે. સેનેટ સભ્ય ગણપત ધમેલિયએ આજે કુલપતિને રજૂઆત કરી હતી કે, આપના કાર્યકાળ દરમ્યાન યુનિવર્સિટીમાં એકથી એક ચડિયાતા વિવાદો ઉભા થયા. આપના અણઘડ વહીવટના કારણે યુનિવર્સિટીનું શિક્ષણ અને વહીવટ બંને ઉંધેકાંધ નીચે પડ્યા છે. અમોને એમ હતુ કે, હવે આપનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે એટલે આપ સખણા રહેશો પરંતુ આપે નેસ્ટ એકેડમી સાથે શંકાસ્પદ કરાર કરીને આપે યુનિવર્સિટીને ખાડે નાખવાની તમામ હદોને પાર કરી દીધી છે.

યુનિવર્સિટીના હિત જોવાને બદલે આખેઆખું કોળું નેસ્ટ એકેડમીને આપી દીધું. અમારી માતૃસંસ્થાની પ્રતીસ્સાને આપે ગંભીર ક્ષતિ પહોચાડી છે. અમારા જાગૃત વિદ્યાર્થી સંગઠન ABVP એ આપની આ તમામ સોગઠાબાજીને ઉંધી પાડીને પ્રશંશનીય અને જવાબદાર વિદ્યાર્થી સંગઠનની જવાબદારી અદા કરી છે. આ કરાર અંગે સૌથી મહત્વનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કરારના પડદા પાછળના ખરા લાભાર્થીઓ કોણ હતા?

એ દક્ષિણ ગુજરાતની તમામ જનતા જાણવા માગે છે તેથી સત્ય બહાર આવવું જ જોઈએ. તેથી આ માટે આપ ફરી વખત સ્પેશ્યલ સિન્ડિકેટ બોલાવો અને અમારી તપાસ સમિતિની માંગણીને તેમાં રજુ કરી સિન્ડિકેટ સભા નક્કી કરે એ તપાસ સમિતિને તપાસ સોપવામાં આવે. આપે આમાં કોઈ તપાસ સમિતિની રચના કરવી નહીં કારણ કે આપે રહેલી તપાસ સમિતિ પર અમોને બિલકુલ ભરોસો નથી અને હા અમો યુનિવર્સીટીના ટ્રસ્ટીઓ છીએ અને તેમનો પગારદાર કર્મચારી તેથી અમારા દ્વારા લેવાતા નિર્ણયોને તમારે અમલ કરવાનો હોઈ નહીકે આદેશ આપવાનો એટલે આ અમારા આ પત્રની ગંભીર નોંધ લઇ તાત્કાલિક કાર્યવાહી કરવી.

યુનિવર્સિટીના સેનેટ સભ્યો, સિન્ડિકેટ સભ્યો, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ, આચાર્યો અને અમારૂ વિદ્યાર્થીઓનું સંગઠન ABVP અને દક્ષિણ ગુજરાતની જનતાને આપનામાં વિશ્વાસ રહ્યો નથી. આ તમામ સાથે આપે વિશ્વાસઘાત કર્યો છે. જેથી અવિશ્વાસુ શાસકે શાસન કરવું જોઈએ નહિ. આપને અમારી નમ્ર વિનંતી છે કે આપ સ્વેચ્છાએ રાજીનામું આપી અને અમારી માતૃસંસ્થાને વધુ બદનામ ન કરો. અન્યથા અમો સેનેટ સભ્યો, સિન્ડિકેટ સભ્યો, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ, આચાર્યો અને અમારૂ વિદ્યાર્થીઓનું સંગઠન અને દક્ષિણ ગુજરાતની જનતા સાથે મળીને એકસાથે મેદાનમાં ઉતરવું પડશે. દક્ષિણ ગુજરાતની જનતાને આપનામાં વિશ્વાસ રહ્યો નથી. આ તમામ સાથે આપે વિશ્વાસઘાત કર્યો છે.

નેસ્ટ કંપનીના કરારના વિવાદમાં કુલપતિના સ્વૈછિક રાજીનામાની માગ was originally published on News4gujarati