હોળીના પર્વને લઈને મહેસાણા ફૂડ વિભાગની છ સ્થળે તપાસ કરી

હોળીના તહેવારને મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ ગુરુવારે મહેસાણા અને વિસનગરમાં કુલ છ સ્થળે ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ ચીજોના આઠ નમૂના લીધા હતા. મહેસાણા માલગોડાઉનમાંથી ૯૫૯ કિલો પતાસાનો જથ્થો સીઝ કરાયો હતો.

આ કાર્યવાહી દરમિયાન મહેસાણાના માલગોડાઉનમાં મીઠા માસ્તરની ચાલીમાં આવેલી મે. ઉમિયા સુગર કેન્ડી વર્ક્સ નામની ફેક્ટરીમાં પતાસા બનાવવામાં અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાની શંકાના આધારે પતાસા અને સાકરના નમૂના લેવાયા હતા તેમજ રૂ.૪૩,૧૫૫ના ૯૫૯ કિલો પતાસાનો જથ્થો સીઝ કરાયો હતો. મહેસાણાની ભાગ્યોદય સોસાયટીની બાજુમાં આવેલી મે.હરેશ સુગરકેન્ડી વર્ક્સમાંથી શંકાસ્પદ લૂઝ પતાસાંનો નમૂનો લેવાયો હતો. 

મહેસાણાના પાંચલીમડી વિસ્તારમાં ભાવેશ ટ્રેડિંગ કંપનીમાંથી ૫૦૦ ગ્રામ ખજૂરનું પેકેટનું સેમ્પલ અને ઓમ સાંઈ શિંગ-ચણા સ્ટોર્સમાંથી પણ ૫૦૦ ગ્રામ ખજૂરના પેકેટનું સેમ્પલ લેવાયું હતું. જ્યારે વિસનગરમાં મે.વિમલ ટ્રેડર્સમાંથી ૫૦૦ ગ્રામ ખજૂરનું પેકેટ, શ્રી ઉમિયા કિરાણા સ્ટોર્સમાંથી બે અલગ અલગ કંપનીનાં ૫૦૦ ગ્રામ ખજૂરનાં બે પેકેટ નમૂનારૂપે લેવાયાં હોવાનું ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ.ગણાવાએ જણાવ્યું હતું. 

મહેસાણાના માલ ગોડાઉનમાંથી 959 કિલો પતાસાંનો જથ્થો સીઝ was originally published on News4gujarati