અમરેલીથી વડોદરા આવી રિક્ષામાં પેસેન્જરોને લૂંટતી ગેંગનો ભોગ બનેલી વધુ એક સિનિયર સિટીઝન મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

બે દિવસ પહેલા કારેલીબાગ પોલીસે અમરેલીના રાજુલા ખાતે રહેતા રમેશ શંકર બજાણીયા, તેની પત્ની રાજુ બજાણીયા અને પાવાગઢની તળેટીમાં રહેતા રીક્ષાચાલક સુનિલ ચુડાસમાને ઝડપી પાડી પૂછપરછ કરતા પાવાગઢથી રિક્ષામાં વડોદરા આવી પાંચ દિવસમાં પાંચ પેસેન્જરોને લૂંટી લીધા હોવાની વિગતો બહાર આવી હતી. જે બનાવમાં વધુ એક સિનિયર સિટીઝન મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

અકોટાના ત્રિવેણી પાર્કમાં રહેતા ભારતીબેન સોનીએ પોલીસે જણાવ્યું છે કે,તા. 25મીએ સાંજે હું અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે દર્શન કરી પરત ફરતી હતી ત્યારે એક રિક્ષા ચાલકે મને રીક્ષામાં બેસી જવાનું કહ્યું હતું. મારે ખરીદી કરવાની હોવાથી ઇનકાર કરતા રીક્ષા ચાલકે માત્ર પાંચ રૂપિયા આપી દેજો તેમ કહેતા હું રિક્ષામાં બેસી ગઈ હતી.

આ વખતે રિક્ષામાં એક સ્ત્રી પુરુષ બાળક સાથે બેઠા હતા.રસ્તામાં પુરુષ તેની બેગ મારા હાથ પર મૂકતો હોવાથી મેં તેને બેગ ખસેડી લેવા કહ્યું હતું.જેથી પુરૂષે મને ફાવતું નથીઆ માજી ને ઉતારી દો… તેમ કહેતા રિક્ષાચાલકે ભાડું લીધા વગર મને ઉતારી દીધી હતી.

હું જ્યારે ખરીદી કરવા સ્ટોરમાં ગઈ ત્યારે મારા હાથમાંથી એક તોલાની બંગડી ગુમ જણાઈ હતી. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે કારેલીબાગમાં પકડાયેલી ગેંગ સામે ગુનો નોંધ્યો છે.

વડોદરામાં આવેલી રીક્ષા ગેંગનો વધુ એક મહિલા શિકાર બની was originally published on News4gujarati