– ગુજરાત માહિતી પંચની અપીલ ફગાવાઇ
– સર્ટિફાઇડ નકલમાં RTI લાગુ ન પડતો હોવાના ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે પંચે સુપ્રીમમાં અપીલ કરી હતી
હાઇકોર્ટના કોઇ આદેશની સર્ટિફાઇડ કોપી(પ્રમાણિત નકલ) મેળવવા માટે હાઇકોર્ટના નિયમો અનુસાર પ્રક્રિયા કરવાની હોય છે, આ નકલ માત્ર આર.ટી.આઇ. કાયદાનો ઉપયોગ કરી મેળવી શકાય નહીં તેવું અવલોકન સુપ્રીમ કોર્ટે આજના એક આદેશમાં કર્યુ છે.
સર્ટિફાઇડ નકલ માત્ર આર.ટી.આઇ. હેઠળ ન મેળવી શકાય તેવા ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે ગુજરાત માહિતી પંચે કરેલી અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી છે.
વર્ષ 2010માં રાજ્ય સરકારના એક નિવૃત્ત મેડિકલ ઓફિસરે કેટલાંક હાઇકોર્ટના આદેશોની સર્ટિફાઇડ કોપી મેળવવા માટે આર.ટી.આઇ. હેઠળ અરજી કરી હતી. જેથી હાઇકોર્ટ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે આ કોપી મેળવવા માટે હાઇકોર્ટના નિયમો પ્રમાણે અલગ અરજી અને પ્રક્રિયા કરવાની રહેશે.
માત્ર આર.ટી.આઇ.ની જોગવાઓએ હેઠળ તેમને નકલ મળી શકે નહીં. જેથી તેમણે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ અપીલ કરી હતી. જેમાં ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે હાઇકોર્ટના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરને નિર્દેશ આપ્યો હતો કે આ અરજદારને કેસની નકલ આર.ટી.આઇ. હેઠળ આપવામાં આવે.
આ આદેશ સામે ખુદ હાઇકોર્ટે જ હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને હાઇકોર્ટની ડિવીઝન બેંચે ચુકાદો આપ્યો હતો કે આદેશોની સર્ટિફાઇડ કોપી માત્ર આર.ટી.આઇ.ની જોગવાઇઓએ હેઠળ મળી શકે નહી. આ આદેશ સામે ગુજરાતના માહિતી પંચે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બાનુમથી, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ હૃષિકેશ રોયની ખંડપીઠે માહિતી પંચની અપીલ ફગાવી છે અને ઠેરવ્યું છે કે હાઇકોર્ટમાં જ્યારે ત્રાહિત વ્યક્તિ કોઇ આદેશની સર્ટિફાઇડ કોપી મેળવવા માટે અરજી કરે ત્યારે તેણે નિયત પ્રક્રિયા અનુસરવાની હોય છે અને સોગંદનામું પણ કરવાનું હોય છે અને આ પ્રક્રિયા યોગ્ય છે.
હાઇકોર્ટના આદેશની સર્ટિફાઇડ નકલ RTI હેઠળ ન મળી શકે : સુપ્રીમ કોર્ટ was originally published on News4gujarati