– કોરોના વાયરસ સામે મ્યુનિ.એ તૈયાર કરેલો એક્શન પ્લાન

– 14 વેન્ટિલેટર, 3.11 લાખ માસ્ક, 22 હજાર સંરક્ષક કિટની સુવિધા પૂનાના બદલે હવે લોહીનું પરીક્ષણ બી. જે. મેડિકલમાં થશે

વિશ્વમાં કોરોના વાયરસના 97699 કેસો નોંધાયા છે. ભારતમાં 30 દર્દી નોંધાયા છે, ત્યારે કોરોનાના પડકારનો સામનો કરવા અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. હાલ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 42 પથારી, એલ.જી. હોસ્પિટલમાં 5 અને શારદાબહેન હોસ્પિટલમાં 4 સહિત 51 પથારીના અલાયદા વોર્ડ ઉભા કરાયા છે. જરૂર પડયે 250 પથારીની અલાયદી વ્યવસ્થાની જોગવાઈ ઉભી કરી શકાશે.

કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યુ હતું કે, નાગરિકોએ પાંચ બાબતોનું પાલન કરવું જોઈએ. (1) નમસ્તે અમદાવાદ, કોઈની ય સાથે હાથ મિલાવવાનું ટાળીને ‘નમસ્કાર’ દ્વારા અભિવાદન કરવું જોઈએ. કેમ કે, હસ્તધૂનનથી વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશે છે. (2) હાથથી નાક, મોં, આંખ પર વારંવાર સ્પર્શ કરવાની ટેવ બંધ કરવી જોઈએ, (3) વારંવાર 20 સેકન્ડ સુધી વ્યવસ્થિત રીતે હાથ ધોવાનું રાખો, (4) ભીડભાડવાળા સ્થળોએ જવાનું રાખો, (5) અફવાના બદલે અધિકૃત માહિતી પર જ આધાર રાખો. કોઈ વ્યક્તિમાં લક્ષણો જણાય તો તેણે બીજા લોકોના સંપર્કમાં આવવાનું ટાળીને એકાંતમાં રહેવું જોઈએ. જરૂર પડયે 104નો સંપર્ક કરવાથી એમબ્યુલન્સ ઘેર આવી જશે. જરૂરી સારવાર અને માસ્ક જેવા સાધનો પૂરા પાડશે.

મ્યુનિ.ના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં 14 વેન્ટીલેટર, 3 લાખ ત્રીપલ લેયર માસ્ક, 11 હજાર એન-95 માસ્ક, 22 હજાર સંરક્ષક કીટની સુવિધા તૈયાર રાખવામાં આવી છે. એરપોર્ટ પર અત્યાર સુધીમાં 17267 પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એડવાઇઝરી તૈયાર કરવામાં આવી છે.

હાથની મહત્તમ સ્વચ્છતા અને હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ વધારવા જણાવાયું છે. ઉધરસ કે છીંક આવે ત્યારે મોં આડે રૂમાલ રાખવો જોઈએ. ઉપરાંત દર્દીના લોહી અને સ્વોલ સેમ્પલની તપાસ હવે બી. જે. મેડિકલ કોલેજમાં થવાનું ચાલું થયું છે, જેથી રિઝલ્ટ ઝડપથી મળે છે. અગાઉ આ જ તપાસ પૂના ખાતે કરાવવામાં આવતી હતી.

કોરોનાના લક્ષણો અંગે તેમણે જણાવ્યું હતું કે, તાવ આવવો, માથાનો દુ:ખાવો થવો, ભારે શરદી- ખાસીના લક્ષણો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગળામાં દુ:ખાવો થવો, ધુ્રજારી આવવી વગેરે ખાસ છે. આ લક્ષણો હાઇપર ટેન્શન, ટી.બી., કીડનીના પણરોગ હોય તો દર્દીની સ્થિતિ ગંભીર બની શકે છે. આનાથી બચવા ઉધરસ- તાવ હોય તેની બહુ નજીક ના જવું, જીવંત પશુઓનો વધુ પડતો સંપર્ક ટાળવો, કાચુ માંસ ખાવું નહીં.

જાહેરમાં થુંકનારને 10 હજારનો દંડ થશે

કોરોનાનો રોગચાળો વિશ્વભરમાં ચાલી રહેલ છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેરમાં થુંકનાર નાગરિક પાસેથી રૂા. 10,000ની ભારે પેનલ્ટી લેવાનું નક્કી કર્યું છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા દંડ વસુલીની કાર્યવાહી થશે. શંકાસ્પદ દર્દીના ગમે ત્યા થુંકવાથી કોરોનાનો ચેપ અને વ્યાપ વધવાની સંભાવના વધુ હોય છે.

SVP સહિત ત્રણ હોસ્પિટલોમાં ઉભા કરાયેલા 51 પથારીના અલાયદા વોર્ડ was originally published on News4gujarati