• સરકારે મહિલા દિવસે નિમણૂંક પત્રો આપવાની જાહેરાત કરી હતી
  • નિમણૂંક પત્રો ન મળતા ફરી આંદોલનની ચીમકી

LRD ભરતી વિવાદ મામલે મહિલા ઉમેદવારોએ બે મહિના કરતા વધુ સમય સુધી આંદોલન કર્યા બાદ ગત ફેબ્રુઆરીમાં સરકારે એક ફોર્મ્યુલા તૈયાર કરી 1 ઓગસ્ટ 2108ના પરિપત્રનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે 2,150 બેઠક વધારીને 5,227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા જાહેર કરી હતી. ત્યાર બાદ મહિલા ઉમેદવારોએ આંદોલન સમેટી લીધું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, LRD ભરતી પ્રક્રિયામાં 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. માત્ર એટલું જ નહીં, સરકારે મહિલા દિવસ નિમિત્તે એપોઈન્ટમેન્ટ લેટર આપવાની પણ જાહેરાત કરી હતી. જો કે મહિલા દિવસે એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં ન આવતા આ મહિલા ઉમેદવારોએ ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે આંદોલનનું આયોજન કરનારા સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, જો 11 માર્ચ સુધીમાં મહિલા ઉમેદવારને ઓર્ડર નહીં મળે તો હું અને મારી ટીમ અને LRDની દરેક મહિલા ઉમેદવાર ફરીથી ગાંધીનગરમાં મહાઆંદોલનની તૈયારીઓ કરી વિધાનસભાનો ઘેરાવ કરીશું.

LRD ભરતી અંગે 11 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી
આ અંગે આંદોલનનું આયોજન કરનારા સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, હું મહિલાઓ વતી સરકાર ને કહેવા માંગુ છું કે, સરકારે 8 માર્ચે એટલે કે મહિલા દિવસે 62.5 ટકાનું મેરિટ ધરાવતા 5,227 ઉમેદવારોને LRDના નિમણૂંક પત્રો આપી કાર્યવાહી પૂર્ણ કરી દેવાશે, સરકારને એટલું જ કહેવું છે કે હવે બહુ થયું તમે કહ્યું એ પ્રમાણે અમે રાહ જોઈ અને LRD અંગે 11 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી હોવાથી ત્યાં સુધી રાહ જોઈશું.

કઈ કેટગરીની કેટલી જગ્યા વધારી
LRD ભરતી પ્રક્રિયામાં 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. બક્ષીપંચની બહેનોની જગ્યા 1834થી વધારી 3248, સામાન્ય કેટેગરીની બહેનોની સંખ્યા જગ્યા 421થી વધારીને 880 તેમજ SCની જગ્યા 346થી 588 અને STની જગ્યા 476થી વધારી 511 કરી છે. આ ઉપરાંત અગાઉના કટઓફ માર્ક્સમાં વધારો કરી 62.5 ગુણ કટઓફ કરવામાં આવતા કુલ 5,227 જગ્યાઓ ઉપર બંને વર્ગની બહેનોને લાભ થશે.

1 ઓગસ્ટ 2018ના પરિપત્રનો અમલ નહીં, 2014નો ઠરાવ ધ્યાનમાં લેવાશે
LRD ભરતી વિવાદ મામલે 18 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે, આંદોલનનો સુખદ અંત આવ્યો છે. નવો ઠરાવ હાલ પુરતો અમલમાં આવશે નહીં, જ્યારે 1 ઓગસ્ટ 2018ના ઠરાવનું પાલન થશે નહીં. આ મામલે 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્ર મુજબ સરકાર કાર્યવાહી કરશે. 125માંથી 62.5 માર્ક્સ હશે તેની ભરતી કરવામાં આવશે.ત્રણ અઠવાડીયામાં ભરતી કરવામાં આવશે. આ અંગે વધુ સુનાવણી 11 માર્ચના રોજ યોજાશે.

વિવાદની શરૂઆત કેમ થઈ?
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.

LRD ભરતી વિવાદ, ફરી મહાઆંદોલન કરવાની આંદોલનકારીઓની ચીમકી, વિધાનસભા ઘેરાવ કરશે was originally published on News4gujarati