ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની અગત્યની વસ્તુઓની ચોરી થાય તે બાબત માનવામાં આવતી નથી પરંતુ હકીકત છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવી ઘટના બની છે જેની તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદના અમરાઇવાડીના મ્યુનિસિપલ કાઉન્સિલર જગદીશ રાઠોડે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટને એવી ફરિયાદ કરી છે કે એશિયાની નામાંકિત હોસ્પિટલમાં માનવતા મરી પરવારી છે. આ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ બે થી ત્રણ દિવસ ગાયબ રહે છે અને છેવટે મૃત્યુ પામેલી હાલતમાં તેમના મૃતદેહ મળે છે. ખૂબ શરમજનક બાબત છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે અમરાઇવાડી વિસ્તારમાંથી 2જી મે ના રોજ ઓ-5ના આઇસીયુ વોર્ડના બેડ નંબર 84માં દાખલ થયેલા બિંદુબેન શિવપૂજન રાજપૂત 11મી મે એ મૃત્યુ પામ્યા છે. તેઓ જ્યારે દાખલ થયા હતા ત્યારે તેમને સોનાના દાગીના પહેર્યા હતા.
તપાસ કરી તો તેમના કાનની બે બુટ્ટી, નાકની ચૂની, મોબાઇલ ફોન અને ચાર્જરની ચોરી થઇ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા જઇ શકતા નથી અને દર્દી હોસ્પિટલને હવાલે હોય છે ત્યારે આવી ઘટના બને તે અત્યંત ગંભીર છે. આ દાગીના અને ચીજવસ્તુની ચોરી કરનારા તત્વોને પકડીને તેમને સજા કરવી જોઇએ.

આ મ્યુનિસિપલ કાઉન્સિલરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને અમદાવાદના પોલીસ કમિશનરને પણ પત્ર લખી જાણ કરી છે. અહી પ્રશ્ન એ થાય છે કે દર્દીના માલાસામાનની ચોરી થાય છે ત્યારે સલામતીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.
ભગવાન માફ કરે–સિવિલમાં કોરોનામાં મૃત્યુ પામેલી મહિલાના ચુની, બૂટી, મોબાઇલની ચોરી was originally published on News4gujarati