છેલ્લા કેટલાય દિવસથી કરિયાણા, શાકભાજી અને ફ્રૂટ્સ જેવી ચીજવસ્તુઓના વેચાણ બંધની હાલતમાં રહેલા અમદાવાદવાસીઓ માટે થોડાક આનંદના સમાચાર એ છે કે, 15મી મેથી આ વસ્તુઓના, કેટલીક કડક શરતો સાથે, વેચાણની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. અલબત્ત, અત્યારે માત્ર હોમ ડિલિવરી જ થઈ શકશે અને તે પણ આગોતરા ઈ-પેમેન્ટ સાથેના ઓર્ડર પર કારણ કે, કેશ ઓન ડિલિવરીની અત્યારે કોઈ જ છૂટ ન આપવાનું નક્કી થયું છે.

આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં અમદાવાદમાં કોરોનાના જંગની જવાબદારી જેમને સોંપાઈ છે તે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, 15મીથી આ મર્યાદિત સ્વરૂપે લોકોને શાકભાજી, અનાજ-કરિયાણું અને ફળો મળી રહે તે માટે તમામ કડક તકેદારીઓ સાથે વેચાણની છૂટ આપવામાં આવશે. તેમના અધ્યક્ષસ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સોમવારે આ નિર્ણય લેવાયો હતો. આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા હવે પછી જાહેર થશે.

કયા સુપર સ્ટોર્સને શું આદેશો થયા

ડી-માર્ટ, ઓશિયા હાઈપરમાર્ટ, બીગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી વગેરેને તેમના ડિલીવરી સ્ટાફનંન સો ટકા સ્ક્રીનિંગ કરવાના આદેશો થયા છે. આ દરેકે માત્ર અને માત્ર ડિલીવરીથી જ ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું રહેશે.

કરન્સીથી ફેલાતા ચેપને રોકવા ફક્ત ડિજિટલ પેમેન્ટ

આ તમામ સ્ટોર્સ અને ડિલિવરી એગ્રિગેટર્સે માત્ર યુપીઆઈ કે અન્ય પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે. આ અંગે સરકાર માને છે કે, રોકડમાં થતા વ્યવહારોમાં ચલણી નોટથી પણ કોરોના ફેલાઈ શકતો હોવાથી તે રોકવા માત્ર ઈ-પેમેન્ટ જ સ્વીકારાશે. કેશ ઓન ડિલિવરી હાલ ઉપલબ્ધ નહીં બનાવાય.

વધુ ચાર્જિસ લેતી ૭ હોસ્પિટલોને નોટિસ

કોરોના પોઝિટિવ દર્દીઓ પાસેથી સારવાર માટે વધુ ચાર્જીસ લેતી 7 ખાનગી હોસ્પિટલોને ફટકારેલી નોટિસ મુજબ, અમને એવી અનેક ફરિયાદો મળી છે કે કોરોનાના દર્દીઓ પાસેથી તમે ખૂબ જ ઊંચા ચાર્જ વસુલો છો. કોરોનાના દર્દીઓ પાસેથી વધુ ચાર્જ ન લો તેને ઘટાડી દો. ચાર્જ વાજબી કરી દો જથી દર્દીઓને સારવાર લેવામાં કોઈ મુશ્કેલી ન નડે.

કોવિડ ડેઝિગ્નેટ કરેલી હોસ્પિટલ્સને નોટિસ ફટકારવાનો AMCનો નિર્ણય લોકોની આંખમાં ધૂળ નાંખવાના પ્રયાસ છે. કારણે કે, ૧૬મી એપ્રિલે જ રાજ્યના આરોગ્ય વિભાગે ખાનગી હોસ્પિટલ્સને કોવિડ ડેઝિગ્નેટ કરવાનો નિર્ણય કરી તમામ લોકોને અહીં ઓપીડી-આઈપીડીની સારવારનો સદંતર નિઃશુલ્ક પૂરી પાડવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત, ઓપીડીમાં નિષ્ણાત દ્વારા કન્સલ્ટેશનની જરૂર પડે તો જરૂરી દવાઓ માટે અને એક્સ-રે, લોહીના પરીક્ષણ માટે દર્દી દીઠ રૂ. 200નો, આઇસોલેશન બેડના 1800, આઇસોલેશન એચડીયુમાં 2700, આઈસીયુમાં 3600 અને વેન્ટિલેટર સાથે આઈસીયુમાં ભરેલી પથારીનું 4500નો ચાર્જ નક્કી કર્યો હતો. સરકારે આ હોસ્પિટલો પાસેથી કડક હાથે ભાવ બાંધણું કરવું પડે.

હોમ ડિલિવરી માટે આ પાંચ વસ્તુ કરવી ફરજિયાત

  • એએમસીનું હેલ્થ કાર્ડ સાત દિવસ માટે જ વેલિડ. મુદત વીત્યે રિન્યૂ કરાવવું પડશે.
  • કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર થયા હોય ત્યાંથી કોઈપણ વ્યક્તિને ડિલિવરીમાં મુકી નહીં શકાય.
  • ડિલિવરી કરનારાએ ગ્લવ્ઝ, સેનિટેશન કેપ, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત
  • માત્ર કેશ લેસ પદ્ધતિથી જ પેમેન્ટ, કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ નવા હુકમો ન થાય ત્યા સુધી ઉપલબ્ધ બનાવાશે નહીં
  • ડિલિવરી કરનારા દરેક કર્મીએ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે.

AMCનો સૌથી મોટો નિર્ણય, અમદાવાદમાં 15મીથી કરિયાણું, શાકભાજી, ફળો મળતાં થશે, was originally published on News4gujarati