કોરોના મહામારી સામે દિવસ-રાત કોરોના સામે લડી રહેલા એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ઘણા દિવસથી અપૂરતી પીપીઈ કીટ મામલે રોષ પ્રગટ કરી રહ્યા હતા. આખરે આ મામલો આજે વણસતા મંગળવારે બપોરે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ-જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો છે. આ અંગે હોસ્પિટલના સત્તાવાર સૂત્રો કોઈ જવાબ નથી આપી રહ્યા પરંતુ પીપીઈ કીટ મામલે જ આ હડતાળ હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતનો સ્ટાફ જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને હડતાળ સમેટી લેવા સમજાવવા ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજી સુધી આમાં કોઈ પ્રગતિ થઈ શકી નથી અને હડતાળ ચાલુ જ છે.
એસવીપી હોસ્પિટલના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દિવસ-રાત ફરજ બજાવી રહેલા ડોક્ટરો, ખાસકરીને કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહેલા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કીટ પૂરતી સંખ્યામાં ન મળવાનો આક્રોશ હતા. મેડિકલ તથા પેરા-મેડિકલ સ્ટાફ ઘણા દિવસોથી માગણી કરી રહ્યા હતા કે તેમને પીપીઈ કીટ પૂરતી સંખ્યામાં મળવી જોઈએ. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ તેમની આ માગણીનો હકારાત્મક પ્રત્યુત્તર ન આપતા હોવાનો ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફમાં કચવાટ હતો. આજે સવારથી જ મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો અને બપોર સુધીમાં તો તેઓ હોસ્પિટલના બિલિંગ કાઉન્ટર પાસે જ હડતાળ પર બેસી ગયા હતા.
પીપીઈ કીટ ન મળવા મુદ્દે હડતાળ પર ઉતરી ગયેલા એસવીપી હોસ્પિટલના સ્ટાફની સમજાવટ માટે સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયાનું જાણવા મળ્યું છે. મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને આ હડતાળ સમેટી હાલના નાજુક સંજોગોમાં ઝડપથી કામ પર પરત ફરવા આ અધિકારીઓ સમજાવી રહ્યા છે. મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે પણ તેમના પ્રતિનિધિ તરીકે ડીવાયએમસીને એસવીપી હોસ્પિટલમાં સમજાવવા મોકલ્યા હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એસવીપી હોસ્પિટલમાં મેડિકલ તથા પેરામેડિકલ ટીમના સંખ્યાબંધ રેસિડેન્ટ ડોકટર તથા નર્સિંગ સ્ટાફને કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.
એસવીપી હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં પીપીઈ કીટ ન મળવા મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરો- નર્સિંગ સ્ટાફની હડતાળ was originally published on News4gujarati