રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, કચ્છમાં પડ્યા વરસાદી ઝાપટા, અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ


કચ્છમાં વાતાવરણની વિષમતાઓ વચ્ચે લખપત તાલુકાના દયાપર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા.

અમદાવાદઃ રાજ્યમાં શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં આજે પલટો આવશે. અમદાવાદ અને ડીસામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિવસભર મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે દ્વારકા,કચ્છ,બનાસકાંઠા, પોરબંદર, સામાન્ય વરસાદી છાટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છમાં વાતાવરણની વિષમતાઓ વચ્ચે લખપત તાલુકાના દયાપર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.  આગામી બે કે ત્રણ દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે.

રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, કચ્છમાં પડ્યા વરસાદી ઝાપટા, અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ was originally published on News4gujarati

પુરતા ભાવ ન મળતા ખેડૂતોએ લોકોને મફતમાં ટમેટા વીણી લેવાનું કહી દીધુ


  • આણંદપરના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યા બાદ
  • આજુબાજુના ગામલોકો મોટી સંખ્યામાં દોડી આવ્યાઃ વાવેતર વખતે સારા ભાવ હતા ઉત્પાદન વખતે દસ રૂપિયાના દોઢ કિલો

કોઈ પણ પાકના વાવેતર પહેલા સારા ભાવ બોલાતા હોય છે. જયારે પાક તૈયાર થઈને ખળામાં આવે ત્યારે ભાવ નીચા જતા હોય છે. સારૂ ઉત્પાદન હોવા છતા બજારમાં સારા ભાવ મળતા હોતા નથી પરિણામે ખેડૂતોની મહેનત માથે પડતી હોય છે અને નિરાશા સિવાય કાંઈ સાંપડતુ નથી. ત્યારે, નખત્રાણા તાલુકાના સાંયરા(યક્ષ) ગામે ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યુ હતુ પરંતુ સારા ભાવ ન મળતા મફતમાં આપ્યા હતા.

હાલ ટમેટાના પાકમાં ખેડૂતોની પરિસ્થિતી દયનીય હાલતમાં જોવા મળી રહી છે. નખત્રાણા તાલુકાના સાંયરા યક્ષના ખેડૂતો શંકરભાઈ વાસાણી અને મનોજભાઈ વાસાણીએ આઠ એકરમાં ટામેટાનું વાવેતર કર્યુ હતુ. વગર સીઝને ટમેટાના ભાવ ૫૦થી ૬૦નો બોલાતો હતો. આ ભાવ જોઈને ખેડૂતોએ મોટા પાયે વાવેતર કરી નાખ્યુ હતુ પરંતુ ભાવ ગગડતા હોલસેલ એક રૂપિયાથી બે રૂપિયા ભાવ થતા ખેડૂતોને વીણવા તેમજ માર્કેટમાં પહોંચાડવાનો ખર્ચ વધી જતા તેમજ ફેરિયાઓ દસ રૂપિયાના દોઢ કિલો વેંચતા ખેડૂતોને નુકશાની વેઠવી પડે તેમ હતી. પરિણામે, આ ખેડૂતોએ હવે કોઈ ફાયદો નહિં થાય એમ માનીને મફતમાં વાડીએથી ટમેટા લઈ જવાનું કહેતા આજુબાજુના ગામ લોકો વાડીએ આવીને ટમેટા વીણવા આવી પહોંચ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, કમોસમી વરસાદ સહિતના કારણોને લઈને ખેડૂતોને આર્થિક નુકશાની સહન કરવી પડતી હોય છે. ત્યારે, ભાવ વધારા સહિતની બાબતોને લઈને બાગાયતી પાકમાં પણ નુકશાની સહન કરવાનો વખત ખેડૂતોને આવતો હોય છે.

પુરતા ભાવ ન મળતા ખેડૂતોએ લોકોને મફતમાં ટમેટા વીણી લેવાનું કહી દીધુ was originally published on News4gujarati

બન્નીના ગામડાઓનું પાણી કોમર્શિયલ રણોત્સવમાં આપી દેવાતા લોકોમાં રોષ


– વહીવટી તંત્રનું અણધડ આયોજન અને કમાણી કરવાનો અભિગમ

– વર્ષોથી આયોજન કરાતું હોવાછતાં સફેદરણ માટે પાણીની અલગથી વ્યવસ્થા કરવામાં આવતી નથી પરિણામે ગામડાઓમાં ભારે તંગી

રણોત્સવમાં તંત્ર દ્વારા અપાતા પાણીના કારણે બન્નીના ગામડાઓમાં પાણી વ્યાપક તંગી સર્જાઈ છે. એક તરફ કરોડોનો નફો રળતા રણોત્સવમાં પાણીની રેલમછેલ છે બીજીતરફ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીને લઈને માથાકુટ ઉભી થઈ છે. 

લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પાણી પુરવઠાના અધિકારીઓ પુર્વ તૈયારીઓ વગર ગામડાના પાણી બંધ કરીને રણોત્સવમાં પાણી ફાળવી રહ્યા છે. ૩ માસ ચાલનારા આ ઉત્સવને લઈને પુર્વ તૈયારી વગર જ કામગીરી કરાઈ રહી છે. ગોરેવલી સંપમાં પાણી સંગ્રહ માટે ઘણી બધી સુવિધાઓ છે તેમાં એક પાણીનો હોજ ૨૫ લાખ લિટરનો છે જે બન્યો ત્યારથી આજદિન સુધી પાણીના દર્શન કર્યા નથી. આ અંગે રજુઆત કરતા જવાબ મળે છે કે, પ્રથમ પ્રાથમિકતા રણોત્સવને આપવાની છે.

હાલે સવારે ૮ થી રાત્રે ૮ સુધી રણોત્સવમાં છુટથી પાણી અપાય છે બીજીતરફ ગામોમાં પાણી માટે વલખા ઉભા થયા છે. લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, સવાર થી સાંજ સુધી રણોત્સવમાં પાણી અપાયા બાદ બાકીના સમયમાં ગામડાઓમાં વિતરણ કરાય છે ત્યારે આટલા સમયમાં બધે પુરતુ પાણી મળી શકતું નથી. જો રણોત્સવને પ્રાથમિકતા આપવાની હોય તો આટલા વર્ષોથી તેના માટે અલાયદી વ્યવસ્થા કેમ કરાઈ નથી તે સવાલ ઉઠાવાયો છે. ગામડા માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે. તેમજ ગેરકાયદે કનેકશનો તપાસ કરીને કડક પલા ભરવા માંગ ઉઠી છે. 

બન્નીના ગામડાઓનું પાણી કોમર્શિયલ રણોત્સવમાં આપી દેવાતા લોકોમાં રોષ was originally published on News4gujarati

લખપતના ઘડુલી વિરાણી હાઈવે પાસે ઊંટ રેસ, 50 સ્પર્ધકોએ ભાગ લીધો


એકથી પાંચ નંબરના ઊંટ દોડાવનાર સ્પર્ધકોને રોકડમાં ઈનામ અપાયા

કચ્છના સરહદી તાલુકાના દયાપરના એકતા ગૃપ દ્વારા ઘડુલી વિરાણી હાઈવે નજીક ઊંટ રેસ યોજાઈ હતી. આ સ્પર્ધામાં 50 જેટલા સ્પર્ધકોએ પોતાના ઊંટોને દોડમાં ઉતાર્યા હતા. રવિવારના રજાના દિવસે ઉનાળાના પ્રારંભે ઊંટની રેસથી વિસ્તારના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
જિલ્લાભરમાંથી ઊંટ સાથે લોકો ઉમટ્યા
ઘડુલી વિરાણી હાઈવે પાસે દયાપર નજીક યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જિલ્લાભરમાંથી ઊંટના માલિકો ઉમટી પડ્યા હતા. 50 જેટલા ઊંટોએ બે કિમીની રેસમાં દોડ લગાવી હતી.
રેસ જોવા માટે લોકો ઉમટ્યા
ઊંટ રેસ નિહાળવા માટે દયાપર, વિરાણી, ઘડુલી, મોરગર, લાખાપર સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વિજેતા
1 નોતીયાર નવાજ ઉમર- ઝારા
2 નોતીયાર તાલબ લાખા- ઝારા
3 નોતીયાર હમીદ ઈબ્રાહિમ- દયાપર
4 મુસ્તાક માંડવી
5 કુંભાર લતીફ જુમા – ઘડુલી
વિજેતાઓને ઈનામ
ઊંટ સ્પર્ધામાં જે સ્પર્ધકના ઊંટો એકથી પાંચ ક્રમે આવ્યા હતા તેમને રોકડ રકમમાં પુરસ્કાર આપવામાં આવ્યા હતા. હાજીરમધાન નોતીયાર, હાજી સાલે જત, મામધ રહીમ સુમરા, રબરખીયા હાજી મેરાણ, જુમા કુંભારઆગેવાનોએ પાંચેય વિજેતાઓને ઈનામ આપ્યા હતા.

લખપતના ઘડુલી વિરાણી હાઈવે પાસે ઊંટ રેસ, 50 સ્પર્ધકોએ ભાગ લીધો was originally published on News4gujarati

અબડાસાના જખૌ નજીક ઓધરામ પ્રવેશદ્વાર પાસે બે ટ્રકોનો અકસ્માત, ગામલોકોએ એકના ડ્રાઈવરનું રેસ્ક્યૂ કર્યું


  • એક પાછળ બીજો ટ્રક ઘૂસી જતાં ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો
  • 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડ્યો

અબડાસા તાલુકાના જખૌ નજીકે બે ટ્રકોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક પાછળ બીજી ટ્રક ટકરાઈ હતી. જેને પગલે પાછળવાળા ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો. જો કે અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ મહામહેનતે રેસ્ક્યૂ કરીને ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ઘાયલ ટ્રક ડ્રાઈવરને સારવારાર્થે ખસેડવામાં આવ્યો હતો.
લોકોના ટોળા ઉમટ્યા
એક પાછળ એક ટ્રક ટકરાયાની ઘટના જખૌ નજીકના ઓધરામ પ્રવેશ દ્વારા પાસે બની હતી. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ પણ દોડી ગઈ હતી. લોકોએ અંદર ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ 108ની ટીમે તેને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ ખસેડ્યો હતો.

અબડાસાના જખૌ નજીક ઓધરામ પ્રવેશદ્વાર પાસે બે ટ્રકોનો અકસ્માત, ગામલોકોએ એકના ડ્રાઈવરનું રેસ્ક્યૂ કર્યું was originally published on News4gujarati

નખત્રાણા-ભુજની એસ.ટી. બસમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે ઝપાઝપી


– આખી બસ પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી

– મહિલા અનામત સીટ પર બેઠેલા પુરૂષને ઉઠાડતા ઝઘડો થયો

નખત્રાણા-ભુજ રૂટની એસટી બસમાં સીટ પર બેસવા મુદે ડ્રાઈવર અને મુસાફર વચ્ચે માથાકુટ થતાં અન્ય મુસાફરોમાં ભય ફેલાયો હતો તેમજ બસને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી.

મળતી વિગત મુજબ બસમાં મહિલા માટે ફાળવેલી અનામત સીટ પર પુરૂષ મુસાફર બેસી ગયો હતો. નખત્રાણાથી બસ ભુજ તરફ ઉપડી ત્યારે આ સીટ મહિલા માટે ખાલી કરવા જણાવતા મુસાફર અને ડ્રાઈવર વચ્ચે માથાકુટ સર્જાઈ હતી. જેને  લઈને બસને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી. જોકે બંને પક્ષે સમાધાન કરી નખાતા આ મુદે કોઈ ફરીયાદ નોંધાવાઈ ન હતી. બસમાં સર્જાયેલી માથાકુટના કારણે બસ મોડી પડતા અન્ય મુસાફરો રઝળી પડયા હતા. 

નખત્રાણા-ભુજની એસ.ટી. બસમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે ઝપાઝપી was originally published on News4gujarati

સરહદી લખપત તાલુકાના ખડક ગામમાં લગ્ન પ્રસંગે કચ્છી ભરતગૂંથણવાળી ગોદડીઓ અને તોરણનો મંડપ


લગ્નપ્રસંગે લોકો ઘર, પાર્ટી પ્લોટ કે સમાજવાડીમાં ફૂલો, લાઈટિંગ્સે કે કોઈ અન્ય રીતે સુશોભન કરે છે

રાજ્યભરમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તેમજ ઠેર ઠેર લગ્નોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દરેક લગ્ન પ્રસંગ કરનાર પરિવાર તેના ઘરના પ્રસંગને યાદગાર બનાવવા મથતા હોય છે. ઘર, પાર્ટી પ્લોટ કે સમાજવાડીમાં વિવિધ પ્રકારના ફૂલો, લાઈટિંગ્સે કે કોઈ અન્ય રીતે સુશોભન કરે છે. ત્યારે લખપત તાલુકાના ખડક ગામના પૂર્વ સરપંચ જત અલીમામદના પુત્રના લગ્નપ્રસંગે ખાસ પ્રકારનો મંડપ બાંધવામાં આવ્યો હતો. જેની વિશેષતા એ હતી કે આખો મંડપ વિવિધ પ્રકારના કચ્છી ભરતગૂંથણવાળી ગોદડીઓ અને તોરણથી સજાવેલો હતો.
પરંપરાગત ગોદડીઓથી મંડપ સજાવ્યો
આ મંડપમાં વપરાયેલી સામગ્રી ભાડે નહીં પરંતુ જત સમાજની મહિલાઓ પાસેથી એકત્રિત કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારના ભરતકામ અને આભલાઓ મઢેલા હતા. ગામમાં રહેતા સમાજના લોકો દ્વારા તૈયાર કરાયેલા ભરતગૂંથણવાળી ગોદડીઓ અને તોરણોથી લગ્ન મંડપ ઊભો કરાયો હતો. આરબભાઈ જતે આ મંડપ બાબતે જણાવ્યું હતું કે, જત જ્ઞાતિની મહિલાઓ દ્વારા કરાતા ભરતકામવાળી ગોદડીઓનો મંડપ લોકોના આકર્પણનું કેન્દ્ર બન્યો હતો.

સરહદી લખપત તાલુકાના ખડક ગામમાં લગ્ન પ્રસંગે કચ્છી ભરતગૂંથણવાળી ગોદડીઓ અને તોરણનો મંડપ was originally published on News4gujarati

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: